કોક દિન ઈદ અને કોક દિન રોજા
સાદર છે શ્રી મકરંદ દવે સાહેબ ની આ ગઝલ::
*સંપાદન*
*નરેન્દ્રભાઈ ની કલમે*🖋️
કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવાં શા બોજા !
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઇ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઇ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહીં દૂજા,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી.
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ અને આવો તમે રોજા.
– મકરન્દ દવે
પરિચય::
મકરંદ વજેશંકર દવે એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમના કાવ્યગ્રંથો તરણાં, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, ઝબુક વીજળી ઝબુક વગેરે પ્રસિદ્ધ છે.
તેમનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા. ૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા. તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.
તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.
ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્ની સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.
સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર(૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર મળ્યા હતા.
૩૧ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.
સાહિત્યિક સફર અને સર્જન::
સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, લોકસાહિત્યના સંસ્કારોથી મંડિત સહજસંવેદના, સૌરાષ્ટ્રનું તળપદું શબ્દભંડોળ, ગઝલના મિજાજનો રંગ, રવીન્દ્રનાથ-મેઘાણીના ઓછાયા વચ્ચે કવિની પરિવ્રાજક સાધક વ્યક્તિતા-આ બધો મકરંદ દવેની કવિતાનો વિશેષ છે.
સાહિત્ય રચના:
અધ્યાત્મ અને ધર્મના સ્તર પર રહી ભજન અને ગીતોમાં એમના ઉન્મેષો પરંપરાની વાણીમાં પોતીકો અવાજ ભેળવવા મથે છે. ‘તરણાં’ (૧૯૫૧), ‘જયભેરી’ (૧૯૫૨), ‘ગોરજ’ (૧૯૫૭), ‘સૂરજમુખી’ (૧૯૬૧), ‘સંજ્ઞા’ (૧૯૬૪), ‘સંગતિ’ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહોમાં આની પ્રતીતિ થયા વગર રહેશે નહિં. ‘ઝબૂક વીજળી ઝબૂક’ (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ છે, તો ‘શેણી વિજાણંદ’ (૧૯૫૬) ગીતનાટિકા છે.
‘માટીનો મ્હેકતો સાદ’ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; ‘બે ભાઈ’ (૧૯૫૮), અને ‘તાઈકો’ (૧૯૬૮) બાળનાટકો છે; ‘પીડ પરાઈ’ (૧૯૭૩)માં પ્રસંગચિત્રો છે; તો ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.
અધ્યાત્મિક સાહિત્ય લેખન::
એમનું અધ્યાત્મચિંતન ‘અંતર્વેદી’ (૧૯૭૮), ‘યોગપથ’ (૧૯૭૮), ‘સહજને કિનારે’ (૧૯૮૦), ‘ભાગવતી સાધના’ (૧૯૮૨), ‘ગર્ભદીપ’ (૧૯૮૩), ‘ચિરંતના’ (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. ‘વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ’ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. ‘એક પગલું આગળ’ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.
‘સત કેરી વાણી’ (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે.
અનુવાદ સંપાદિત સહિત્ય::
‘ઘટને મારગે’ (૧૯૪૬) અને ‘ટારઝનઃ જંગલોનો રાજા’ (૧૯૪૭) એમના અનુવાદો છે.
(સાભાર: વિકિપીડિયા અને ચંદ્રકાન્ત ટોપીવાળા )
Comments
Post a Comment