કનક રાય વ્યાસ ની કલમે :: જીવન ની પળ માણજો



😃 જીવન ની હળવી પળો ને માણજો 😀
----------------------------------

આજકાલ આપણી રૂટીન લાઈફ થોડી વધુ ને વધુ ટેન્શન વાળી અને કઠિન બનતી જાય છે. સામાજિક સબંધો ની મીઠાશ અને મિલન ઓછા થતા જવા ને કારણે એકલતા વધતી જાય છે. સામાન્ય રીતે આ આધુનિક ટ્રેન્ડ ને આપણે કંટ્રોલ કરી શકતા નથી, પણ આપણા સ્વભાવ ને આવા વિપરીત બાહ્ય પરિબળો ને ઓવરરૂલ કરી થોડા હળવા, હાસ્ય-મજાક મોડ માં ઢાળતા રહીએ તો આપણે ફ્રેશ મૂડ થી જીવન માં ઘણી પ્રગતિ કરી શકાય.

હું નાનપણ માં હાઈસ્કૂલ લાઈફ થી નિયમિત ચિત્રલેખા માં " તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા " ૨૫ થી ૩૦ વર્ષ સુધી ખાસ ઇન્ટરેસ્ટ થી વાંચી ને માણતો, અન્ય હાસ્ય સિરિયલો, અમોલ પાલેકર ની હળવી હાસ્ય ફિલ્મો યુવાની માં સમયાંતરે જોઈ, રૂટીન જિંદગી માં હળવાશ ની પળો જરૂર માણતા રહેતા, આજે પણ મહિના માં એકાદ - બે વખત યૂટ્યૂબ ઉપર એવી હળવાશ ની ફિલ્મો કે હાસ્ય સિરિયલ ના અમુક એપિસોડ માણી લઈએ છીએ.

દરેક ના જીવન ના જેમ મારા જીવન માં પણ ટેન્શનવાળા પ્રસંગો સાથે ઘણા નાના નાના હળવાશ - હાસ્ય ના પ્રસંગો બન્યા છે, એટલે વિચાર આવ્યો કે તેમાંથી અમુક હાસ્ય પ્રસંગો ને આપ સર્વે સાથે પણ શેર કરું, આશા રાખું છું કે આપ સર્વે પણ હાસ્ય - હળવાશ અનુભવશો અને નિખાલસતા ને માણશો.

(૧) હું ૧૯૬૨-'૬૪ માં ૮ થી ૧૦ વર્ષ નો હતો, ત્યારે મારા પિતાશ્રી મહિયારી તાલુકા શાળા ના આચાર્ય હોવાથી તાલુકા ના આસપાસ ના ૩૦ થી ૩૨ ગામો માં નિયમિત ઇન્સ્પેકશન અને પરીક્ષાઓ લેવા જતા, કુતિયાણા તાલુકા ના કેળવણી નિરક્ષક દુર્ગાબેન આચાર્ય (અમારા માનીતા ફઈબા - અમારે ઘરે જ ઉતારો કરતા) પણ નિયમિત ગામો ની વિઝિટ માટે જતા અને મને ખાસ બન્ને સાથે ગામડાઓ માં સાથે લઈ જતા, મને પણ થોડો ફરવા ના શોખ ને કારણે મજા આવતી. કેળવણી નિરીક્ષક દુર્ગાબેન આચાર્ય ના ખૂબ કડક સ્વભાવ અને ગામડા ના શિક્ષકો ની અનિયમિતતા ના કારણે શિક્ષકો ઉપર કડક ભાષા માં ફાયરિંગ કરતા, એટલેજ ત્યારથી વહીવટી કડકાઈ અને અનુશાસન માહોલ થી ટેવાય ગયા હતા.😃

એક દિવસ મહિયારી ના આપણા જ્ઞાતિ ના સર્વે ને ગરેજ ગામ તરફ થી શ્રી વજુભાઇ જોશી પરિવાર ના કોઈ વડીલ ના સ્વર્ગવાસ નિમિત્તે "ઉભી ધાર" ના સાંજે જમણવાર નું આમંત્રણ હોવાથી સાંજે ૫. ૦૦ વાગ્યે બસ માં ૧૫ થી ૨૦ વ્યક્તિઓ ગયા હતા, હું પણ પિતાશ્રી સાથે ગયો હતો, ત્યાં શ્રી વજુભાઇ જોશી અને પરિવાર ના સભ્યો એ બહુજ આગ્રહ અને પ્રેમ થી ઉભી ધાર ઘી અને લાપસી+ભજિયાં જ્ઞાતિજનો ને ખવડાવ્યા હતા. ઘણા લોકો પેટ ઓહવાય (OVER EATING) તેટલું આરામ થી જમી ને જમણવાર ને ન્યાય આપતા હતા. તે સમયે રાત્રે મહિયારી જવા વાહન ની કોઈ વ્યવસ્થા ન હતી એટલે અમો સર્વે રાત્રે ૮. ૦૦ વાગ્યે મહિયારી જવા પગયાત્રા દ્વારા નીકળ્યા, ૮ થી ૧૦ કી. મી. નું અંતર હતું પણ સર્વે પગપાળા થી ટેવાયેલા હતા. રસ્તા માં ખુબજ મજાક - મસ્તી, કેટલાક વધુ પડતું જમવા (OVER EATING) ના કારણે ચાલવા માં મુશ્કેલી અનુભવતા મજાક - મસ્તી નો ભોગ બનતા, વાયુ (પાણી ભરેલ ખાડા ની જગ્યા, નાનકડું પાણી નું નાળુ ) આવતા અમુક ને પેટ હળવું કરવા માટે પોરો (વિરામ) ખાતા ખાતા રાત ના ૧૧.૦૦ વાગ્યે મહિયારી પહોંચ્યા હતા.

અત્યારે યાદ કરું છું તો હાસ્ય સાથે વિચાર આવે છે કે ૫૦ થી ૬૦ વર્ષ પહેલાં કેવું સીધું, સરળ, નિખાલસ અને પ્રેમાળ ગ્રામ્ય જીવન હતું!

(૨) ધોરણ - ૮ થી હાઈસ્કૂલ ના અભ્યાસ માટે મહિયારી છોડી તે સમય ના ખૂબ જ ઉચ્ચ કક્ષા ના અને માંડ માંડ એડમિશન મળે તેવા ભાટિયા ટ્રસ્ટ ના શ્રી નારાણજી મુળજી છાત્રાલય, પોરબંદર - ૧૯૬૫ ની સાલ માં પ્રવેશ મળતા મે ધો. ૮ થી ૧૧ નો અભ્યાસ ત્યાં રહીને કર્યો, ત્યાં શ્રી ચંદ્રકાન્ત જોશી, શ્રી ભરત જાની, શ્રી મોહન જોશી વિ. નું મિત્રમંડળ સારુ બની ગયું હતું. થોડા જુના થઇ ગયા પછી જયારે બપોરે જમણવાર હોય પછી સાંજે જમવા નું બંધ હોય ત્યારે રાત્રે વાંચતા વાંચતા ભૂખ લાગે એટલે ટોળકી સાથે રસોડા માં પાછળ બારી માં થી અંદર પ્રવેશી વાશી રોટલા, તેલ - ચટણી મિક્સ ની લિજ્જત ચુપકે ચુપકે માણતા. આજે એ દિવસો યાદ કરીએ છીએ ત્યારે હસવું આવે છે કે ત્યારે નિર્દોષતા થી કેવા કૃત્યો કરતા!😃

(૩) હું ૧૯૯૩-'૯૫ માં વડોદરા આઈ. પી. સી. એલ. ના પેટા યુનિટ 'પેટ્રોફીલ્સ' માં ડેપ્યુટી માર્કેટિંગ મેનેજર તરીકે જોડાયો હતો અને ત્યાં કંપની ની ટાઉનશીપ ના કવાર્ટર રેસીડેન્સી માં રહેતા હતા, ત્યારે એક રવિવારે સવારે અગિયારેક વાગ્યે આઈ. પી. સી. એલ.-રીફાઈનરી ટાઉનશીપ માં ટાઈમપાસ કરવા પગપાળા રોડ પર લટ્ટાર મારવા નીકળ્યો, ટાઉનશીપ માં રોડ પર ખાસ ટ્રાફિક તો હોય નહિ એટલે જરા ફ્રી સ્ટાઇલ થી રોડ વચ્ચે ચાલતો હતો. ઓચિંતા પાછળ થી સાયકલ પર આવતી કોલેજ કન્યાઓ નો બિન્ધાસ અવાજ આવ્યો કે એ કાકા! રોડ પર સાઈડ માં ચાલો, વચ્ચે ચાલી અમારો રસ્તો રોકો નહિ. તે પાંચ - છ  કોલેજ કન્યાઓ નું ટોળું સાયકલ પર વાતો ના ગપ્પાટા મારતા મજાક - મસ્તી થી પસાર થતું હતું. મને જાણીબુઝી ને કાકા નું સંબોધન કયુઁ તે સાંભળી બહુ આઘાત લાગ્યો. એક તો રવિવાર રજા નો દિવસ એટલે થોડું બની ઠની ને ફ્રેશ મૂડ માં બહાર નીકળ્યા હોય અને હજી મારી ઉંમર ૪૦-૪૧ વર્ષ ની જ હતી, કાકા નું સંબોધન હજુ ખાસ સાંભળ્યું પણ ન હતું એટલે કાકા નું સંબોધન સાંભળી મૂડ ઓફ થઇ ગયો, ઘરે જઈ મેં કહ્યું આજે મારે જમવું નથી, ઘર ના સર્વે કારણ જાણવા નો આગ્રહ કર્યો એટલે મેં 'કાકા' સંબોધન ની વાત કરી, એટલે સર્વે ખૂબ હસ્યા અને ફરીથી તેઓની ટીખળ નો ભોગ બનવું પડ્યું.😃

એવીજ રીતે એ સમય ગાળા માં એક રવિવારે બપોરે અમો સર્વે વડોદરા માં સયાજીગંજ એરિયા માં 'કંસાર હોટેલ' હતી જે અમારી ટાઉનશીપ થી ૭ થી ૮ કી. મી. દૂર હતી, પાર્કિંગ પ્રૉબ્લેમ ને કારણે કાર માં નહિ જતા, કંપની ની બસ માં ગયા હતા, કંસાર હોટેલ માં ભાવતી ' પૂરણ પુરી ' નો જમણવાર નિરાંતે વાતો કરતા કરતા થોડું વધુ પડતો ન્યાય અપાય ગયો, પેટ ઓહવાય ( OVER EATING) તેટલું જમાય ગયું, પછી મારા થી તો બસ સ્ટેન્ડ સુધી ચલાય નહિ એવી હાલત થઇ ગઇ, આખા રસ્તે અમારા બાળકો અને મિસિસ મારી બેફામ મજાક - મસ્તી ઉડાવતા હતા, અને દોઢ કલાકે માંડ માંડ બસ પકડી ઘરે પહોંચ્યા હતા.😀

આવા મજાકિયા પ્રસંગો અને દિવસો ને યાદ કરીએ ત્યારે હસવું આવે છે કે કેવા " આ બેલ મુજે માર " ની સ્થિતિ માં ફસાતા હતા! અને મજા માણતા હતા!
 
(૪) રિટાયર્ડ થયા પછી અમો બન્ને જામનગર રહેવાનું પસંદ કયુઁ. હું અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર બુકસ્ટોલ નું મેનેજમેન્ટ ની જવાબદારી સંભાળી દરરોજ નો ૫ થી ૬ કલાક નો  સમય તેમાં પસાર કરું છું. દરેક ને રિટાયર્ડ થયા પછી પત્ની સાથે થોડું ઉદારમતવાદી બનવું પડે છે, તે પ્રમાણે પત્ની દિગજામ સોસાયટી અને પડોશી ની યંગ બહેનપણીઓ સાથે તેઓના કિટ્ટી ગ્રુપ સાથે જોડાઈ હતી, મને થોડો ઝટકો તો લાગ્યો પણ મેં કાંઈ વાંધા - વચકા લીધા નહિ અને કમને માન્યું કે તેને તેની રીતે ભલે સમય પસાર કરે, તેમ વિચારી મોટું મન રાખી સ્વતંત્રતા આપી.

એક રાત્રે વિચિત્ર સપનું આવ્યું કે રાબેતા મુજબ અમે બન્ને સવાર ની ચા ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા માણતા હતા, અને રોજ ની ટેવ મુજબ અર્ધો કલાક વાતો કરતા બેઠા હોય છે. આગલે દિવસે શ્રીમતિ ની બહેનપણીઓ સાથે કીટી પાર્ટી હતી.

 મને શું કુબુદ્ધિ સૂઝી કે શ્રીમતિ ને પૂછી નાખ્યું કે તમે કીટી પાર્ટી માં શું શું વાતો કરો છો? પ્રથમ તો તેઓએ વાત ટાળી દીધી પણ મારી કમનસીબી ને કારણે મેં જીદ્દ પકડી કે કહે તો ખરી, તમે શું વાત કરો છો? શ્રીમતીજી ને કોઈ આગ્રહ થી કહે તો ભોળા સ્વભાવ થી માની જાય, અને બોલી નાંખે છે. મારા આગ્રહ થી કહે ગઈકાલે મારી બહેનપણીઓ કહેતી હતી, કે દીદી, તમે તો યંગ અને સુંદર લાગો છો, તમે આ અંકલ (શ્રીમતિ ની બહેનપણીઓ તેમને દીદી કહે છે, અને મને અંકલ થી સંબોધે છે!) ને કેવી રીતે પસંદ કર્યા? તમારા બન્ને નો સ્વભાવ માં પણ પૂર્વ - પશ્ચિમ જેટલું અંતર છે, દેખાવે કાળા, હવે પગ માં પણ તકલીફ છે, આખો દિવસ સ્વામિનારાયણ મંદિર ના કામ માં પડ્યા રહે છે તો તમારું ટ્યુનિંગ કેવી રીતે મળે છે? તેની વાત સાંભળી મારા મગજ માં તો વાવાઝોડું આવી ગયું, છતાં કંટ્રોલ કરી પૂછ્યું કે તેં શું જવાબ આપ્યો? તો કહે હું શું જવાબ આપું? મેં કહ્યું હું ૧૮/૧૯ વર્ષ ની હતી, મારી મા એ પસંદ કર્યા, તેં જમાના માં કોઈ એન્જીનીયર ભણેલ - ગણેલ છોકરો મળતા ન હતા, તેથી મા એ પસંદ કરી, ૨૧ વર્ષે પરણાવી દીધી,  તો તેની કિટ્ટી બહેનપણીઓ કહે "HOW SAD"! 

મારો પીતો જ ગયો, મેં કડક ભાષા માં કહી દીધું હવે કાલ થી તારી કિટ્ટી પાર્ટી બંધ, અને કોઈ કિટ્ટી બહેનપણીઓ ને મળવા નું બંધ. હું તો હુકમ કરી પછી મંદિરે ચાલ્યો ગયો.

બપોરે ૧૨. ૩૦ વાગ્યે આવ્યો તો શ્રીમતીજી મોઢું ચડાવી સોફા ઉપર બેઠા હતા, મોટી શૂટકેશ તૈયાર કરી રૂમ વચ્ચે રાખી હતી, રસોડા ને રજા આપી હતી. મેં પૂછ્યું, શું છે આ બધું? તો કહે હવે મારે દીકરા સંદીપ પાસે દુબઇ રહેવા જવું છે, બહેનપણીઓ ને મળ્યા વગર મને એકલા એકલા મુંજારો થાય છે, મેં સંદીપ ને ફોન કરી દીધો છે, હમણાં કલાક માં વિઝા અને ટિકિટ મોકલી દેશે, દીકરી તેજલ મુંબઈ થી ૩. ૦૦ વાગ્યે તેડવા આવી જશે, અને ૪. ૦૦ વાગ્યે નીકળી જશું. મેં છોકરાઓ સંદીપ - તેજલ ને ફોન જોડ્યો તો તેની મમ્મી ની ફેવર માં બોલી સલાહ સાથે કહે પપ્પા! હવે આ ઉંમરે શું પંગા લ્યો છો? શું કામ મમ્મી ને હેરાન કરો છો? હવે મમ્મી જીદ્દ કરી ને બેઠી છે કે મારી કિટ્ટી પાર્ટી બહેનપણીઓ ને મળવાની મનાઈ કરી  તો મારે અહીં નથી રહેવું, મેં ટિકિટ - વિઝા મોકલ્યા છે, તો પ્લેન માં ત્રણ વાગ્યે તેજલ મુંબઈ થી આવી તેડી જશે. મારી તો હવા નીકળી ગઇ, ત્રણ વાગ્યે મુંબઈ થી તેજલ અને રાજકોટ થી મોટી દીકરી નેહા આવી ગયા, મારા પર ફાયરિંગ ચાલુ કરી દીધું. સંજોગો જોઈ ચૂપ રહેવાનું અને સમાધાન કરવાનું મુનાસીબ માન્યું. મેં કહ્યું ભલે તેની કિટ્ટી બહેનપણીઓ ને મળતી રહે અને પાર્ટીઓ માં જતી રહે, એટલે માંડ માંડ મને રૂ. ૧, ૦૦, ૦૦૦ નો દંડ કરી, તેનું કાંઈક સોના નું ઘરેણું મમ્મી ને લઈ દેવાનું નક્કી કરી સમાધાન કયુઁ. મેં મન થી નક્કી કયુઁ કે હવે આ રિટાયર્ડ લાઈફ માં કોઈ દિવસ પંગા લેવા નહિ. આ વખતે રૂ. ૧, ૦૦, ૦૦૦+રૂ. ૨૫૦૦૦ બન્ને દીકરીઓ ને આવવા - જવાનો ખર્ચ નો દંડ રૂપી ધુમ્બો લાગ્યો પણ ભવિષ્ય માં વધુ દંડ પણ થઇ શકે.....😃

આવી નાની નાની હાસ્ય વાતો યાદ કરીએ ત્યારે ખૂબ હસવું આવી જાય છે.....😀

આ લેખ લખવા નો વિચાર તો એક ગંભીર, કરુણ દુર્ઘટના થી મળેલ છે. થોડા સમય પહેલાં જામનગર માં એક બ્રહ્મ સમાજ ના અને આપણા agbs સભ્ય ના જમાઈ, તે આશાસ્પદ યુવાન આર્થિક સંકળામણ અને અન્ય કારણો ને લીધે આત્મહત્યા કરી લીધી છે. થોડા વર્ષો પહેલાં પણ આપણી જામનગર જ્ઞાતિ ના બે, મુંબઈ ના એક, રાજકોટ ના બ્રહ્મસમાજ ના એક એન્જીન્યર યુવાન વિ. આશાસ્પદ યુવાનો એ આત્મહત્યા કરી લીધી હતી. મારી જાણ પ્રમાણે લગભગ આ સર્વે કેસ માં આર્થિક વ્યવહાર અને વિપરીત સંજોગો સહન કરવા નો અભાવ જવાબદાર હતા.

આવી કરુણ ઘટના બનતી હોય ત્યારે ન છૂટકે કહેવું પડશે કે તેમાં ફક્ત યુવાનો જ જવાબદાર નથી હોતા, તેઓના માતા - પિતા પણ એટલા જ જવાબદાર હોય છે. નાનપણ થી તેનું ઘડતર ભવિષ્ય ની જિંદગી કેવી રીતે જીવવી? જીવન ના પ્રશ્નો , સમસ્યાઓ ને કેવી રીતે ફેસ કરવા? સહનશીલતા ના ગુણ - " પછેડી એટલી સોડ તાણવી " નું જ્ઞાન વિ. સંસ્કારો બાળકો ને આપવા જોઈએ તેં પ્રમાણે ઘડતર ન કરે, અને દુર્લક્ષ દાખવે, પરિણામ સ્વરૂપ યુવાનો પોતે જીવન માં ગંભીર સમસ્યા નોતરી બેસે, અને ત્યારે આગળ - પાછળ વિચાર્યા વગર આવા દુઃખદ નિર્ણયો લઈ લે છે.

એટલે અત્યાર ના ફાસ્ટ ટ્રેન્ડ માં યુવા વર્ગ ગંભીરતા સાથે થોડા સ્વભાવ ને હળવાશ મોડ માં જરૂર રાખવો જોઈએ, સર્વે સગા - સબંધી અને મિત્રમંડળ સાથે નિયમિત મળતા રહી, સમસ્યાઓ ની ચર્ચા કરી હળવાશ માણતા રહેવું જોઈએ, એજ જીવન માં પ્રગતિ કરવા માં મદદગાર થશે.

ધન્યવાદ,

કનકરાય ડી. વ્યાસ
(જામનગર )
મો. નં. ૯૪૨૭૨૭૬૧૨૫

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐